WELCOME TO SHREE K P BHAVAN
Call Us on +91 9879572749

about us

About Our Hostel

Welcome To Shree K P Bhavan

સ્થાપના :-

શ્રી કડવા પાટીદાર મહામંડળ બોર્ડિંગમાંથી સને ૧૯ર૯ની સાલમાં કેટલાક વિદ્યાર્થીઓ છુટા થવાથી તેમને રહેવા જમવાની સગવડ આપવા માટે એક જુદી બોર્ડિંગ ઉભી કરવાનો પ્રશ્ન કડી તાલુકાના ડરણ મુકામે શ્રી કડવા પાટીદાર પરિષદનું અધિવેશન શ્રી રામચંદ્રભાઈ જમનાદાસ અમીનના પ્રમુખપદે મળેલું તે વખતે વિદ્યાર્થીઓ તરફથી તેમને પડતી અડચણો દૂર કરવા અમદાવાદમાં તાત્કાલિક બોર્ડિંગ શરૂ કરવાની માંગણી આવેલી.
સભાએ આ પ્રશ્ન તરતજ હાથમાં લઈ તા. ર૮/૧ર/૧૯ર૯ ના રોજ ઠરાવ કરી અમદાવાદમાં તા. ૦પ/૦૧/૧૯૩૦થી એક છાત્રાલય શરૂ કરવાનું નકકી કર્યું અને તે જ સભામાં આ કામ માટે રૂ ૧પ૦૦/- નું ફંડ એકત્ર કર્યું. તેથી અમદાવાદ મુકામે કોચરબ રોડ ઉપર આવેલા ભાડાના મકાન "શાંતિ સદન" નામના બંગલામાં "શ્રી કડવા પાટીદાર વિદ્યાર્થી ભવન" નામની સંસ્થા શરૂ કરવામાં આવી. તે વખતે ૩પ વિદ્યાર્થીઓ આ સંસ્થામાં દાખલ થયા.

સંસ્થાનું પોતાનું મકાન કરવાનો નિર્ણય:-


શરૂઆતમાં સને ૧૯૩૦ ના એક જ વર્ષમાં ૪ વખત ભાડાનું મકાન બદલવું પડયું. તેથી સંસ્થાનું પોતાનું મકાન કરવાનો સંચાલકોએ નિર્ણય કર્યો. તે અરસામાં એલિસબ્રીજ વિસ્તારમાં પાટીદાર સોસાયટી પાસેની ૩ વીઘા જમીન ૧૦ આને એક ચોરસ વારની કિંમતે વેચાણ કરવાની છે તેવી ખબર મળી. તે પછી પાટડીના શ્રી શિવાભાઈ બાવાભાઈ દેસાઈ અને શેઠ શ્રી પ્રેમચંદભાઈ રણછોડદાસે ઉદારતાથી લોન આપવાથી તા. ૧૯-૦૪-૧૯૩રના રોજ તે જમીનનો રૂા. ૬ર૭પ/- નો દસ્તાવેજ લખાવી લઈ રજીસ્ટર્ડ કરવામાં આવ્યો.

જમીન વેચાણ રાખ્યા બાદ મકાન બાંધવાની શરુઆત :-


લોનની લીધેલી રકમ લોન આપનાર ભાઈઓને ચુકવવાની હતી. તે દરમ્યાન અમીન રામચંદ્રભાઈ જમનાદાસ વકીલ તરફથી સંસ્થા સાથે તેઓ જણાવે તે નામ જોડવાની શરતે રૂપીયા ૭૦૦૦/- નું દાન આપવાનો પત્ર મળ્યો. તેમની સાથે વાટાઘાટ કરી સંસ્થાનું નામ "અમીન પુરુષોત્તમ જમનાદાસ કડવા પાટીદાર વિદ્યાર્થી ભવન" એ રીતે રાખવાનું કબુલ કરી રૂા. ૭૧રપ/- નું દાન સ્વીકારવામાં આવ્યું. અને તા. ૧ર/૦૬/૧૯૩ર ના રોજ સદરહુ શરતી દાન સ્વીકારવાનો ઠરાવ કર્યો અને તે જ દિવસે સંસ્થાની માલીકીની જમીનમાં શેઠ શ્રી દુર્ગાપ્રસાદ લશ્કરીના શુભ હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું અને ભવનના મકાનમાં રૂા. પ૦૧/- આપનારના નામની તકતી ઓરડી પર મુકવાની શરતે ઓડરીઓ નોંધવાની શરૂઆત કરી. જ્ઞાતિ જનસમુદાયના અદમ્ય ઉત્સાહ અને પ્રેમથી દાનનો પ્રવાહ વહેવા લાગ્યો અને નીચે પ્રમાણે દાનની રકમો મળી :
રૂા. ૩પ૦૧/- શેઠ શ્રી મોહનલાલ હરગોવિંદદાસ બીડીવાળા તરફથી પુસ્તકાલય માટે
રૂા. ર૦૦૦/- શેઠ શ્રી ત્રિકમલાલ ગોપાલદાસ તરફથી ભોજનાલય માટે હ. પૈાત્ર શેઠ શ્રી રામક્રિશ્નભાઈ
રૂા. ૧૩૦૧/- શેઠ શ્રી નાથાનાલ નાગરદાસના નામથી તેમના પુત્ર શ્રી ઈશ્વરદાસ તથા શ્રી પિતાંબરદાસ તરફથી સંસ્થામાં કૂવો બાંધી આપવા વચન આપ્યું.
રૂા. રરપ૪પ/- ઓરડીઓ નંગ ૪પ દરેક રૂા. પ૦૧/- પ્રમાણે જુદા જુદા સદ્દગૃહસ્થો તરફથી વચનો મળ્યાં. (આ નામોની યાદી સંસ્થાના વાર્ષિક રીપોર્ટમાં છે.)

ઉદ્દઘાટન વિધિ :-


આશરે ૩પ૦૦૦/- થી ૪૦૦૦૦/- રૂપીયાનો ખર્ચ કરી પશ્ચિમ અને દક્ષિણ બાજુની કેટલીક ઓરડીઓ અને રસોડાના ભાગનું બાંધકામ ચાલુ કરી શેઠ શ્રી પ્રાણસુખલાલ મફતલાલ ગગલભાઈના શુભ હસ્તે તા. ૦૯/૦૬/૧૯૩૪ના રોજ મકાનની ઉદ્દઘાટન વિધિ કરવામાં આવી.
આ સમયગાળામાં, શ્રી રણછોડભાઈ ધરમદાસ પટેલે વિના વેતને એન્જીનીયર તરીકે જાત દેખરેખ રાખી પ્રશંસનીય સેવાઓ આપી હતી.

એક ઐતિહાસિક સંસ્થા તરીકે :-


સને ૧૯૩૪માં સંસ્થાન પાટડીના સગીર દરબાર શ્રી રઘુવીરસિંહજી, મેનેજર શ્રી બેન્જામીન સાહેબ તથા અન્ય મહેમાનોએ સંસ્થાની મુલાકાત લીધી હતી. ત્યારબાદ દેશના અને ખાસ કરીને ગુજરાતના ઘણા આગેવાનો, સરદાર વલ્લભભાઈ, વગેરેએ સંસ્થાની મુલાકાત લઈ સંસ્થાને ગૌરવ અપાવ્યું હતું.
હાલમાં વિદેશમાં વસતા સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અમદાવાદ આવે છે ત્યારે માતૃસંસ્થાની અવારનવાર મુલાકાત લે છે અને સંસ્થા સાથેની મધુર સ્મૃતિઓમાં ગરકાવ થઈ જાય છે.
દેશની આઝાદીની ચળવળ વખતે સ્વાતંત્ર્ય સેનાનીઓ આ સંસ્થામાં રહીને ચળવળનું સાહિત્ય વિવિધ સ્થળે પહોંચાડતા હતા.
સરદાર વલ્લભભાઈએ સંસ્થાના ધાબા પરથી સ્વાતંત્ર્ય સેનાનીઓની સભાને સંબોધી હતી અને તેઓશ્રી ચળવળ દરમ્યાન કેટલાક દિવસ ભવનના ભોંયરામાં રોકાયા પણ હતા. આમ, સંસ્થાનું રાષ્ટ્રીય ચળવળમાં પણ મહત્વપૂર્ણ યોગદાન રહયું છે અને તેથી જ આ એક ઐતિહાસિક સંસ્થા પુરવાર થયેલી છે.

સને ૧૯૩૭ થી ૧૯પ૦ સુધીનો સમય :-


આ સમય દરમ્યાન સંસ્થાની પ્રગતિ ધીમી રહી. પરંતુ આ સમય દરમ્યાન નામદાર પાટડી દરબાર શ્રી પ્રતાપસિંહજી તરફથી રૂા. ૧૦૦૧/- ની મદદ મળી હતી.

પ્રગતિના પંથે સંસ્થાની હરણફાળ :-


સંસ્થાની શરૂઆતમાં બાવળાવાળા શ્રી પુરષોત્તમદાસ લલ્લુભાઈએ આ સંસ્થાનું ફંડ ઉઘરાવવામાં અથાગ પરિશ્રમ અને ઉત્સાહથી કામ કર્યું હતું અને સને ૧૯પ૧માં શેઠ શ્રી અંબાલાલ ત્રિભોવનદાસ તકતાવાળા માનદ મંત્રી પદે આવ્યા પછી ફરીથી સંસ્થાની પ્રગતિ દિન પ્રતિદિન ઝડપી બની. તેમણે જહેમત ઉઠાવી ફંડ મેળવવાની તજવીજ શરૂ કરી. જેમણે લોન તરીકે રકમ આપી હતી તે રકમ ફંડ ખાતે જમા મેળવી તથા મકાન દુરસ્તી માટે રૂા. ર૬૮૯/- નું ફંડ લાવી દુરસ્તીનું કામ શરૂ કર્યું અને શેઠ શ્રી અરવિંદભાઈ મફતલાલ પાસેથી રૂા. ૧પ૦૦૧/- જેવી માતબર રકમ દાનમાં મેળવી અને અન્ય શેઠિયાઓ તરફથી પણ મોટી રકમ દાનમાં મેળવી. આજીવન સભાસદો નોંધી રૂા. ૩૩૦૦૦/- જેટલી રકમ ફંડમાં એકઠી કરી તેમજ પોતે પણ રૂા. ૩૦૦૧/- ની ઉદાર રકમ ફંડમાં ભેટ આપી. વધારાનું બાંધકામ કરી દોઢસો વિદ્યાર્થીઓને રહેવાની તથા જમવાની સગવડ પૂરી પાડી. તે પછી "શેણી-વિજાણંદ" નાટકનો ખેલ ગોઠવીને પહેલા માળનું બધું જ કામ પૂર્ણ કરાવી રરપ વિદ્યાર્થીઓ માટેની સગવડ પૂરી પાડી. પાછળથી સંસ્થાએ ગૃહપતિનિવાસ તથા રસોડા પરની રૂમો બંધાવી ર૭૦ વિદ્યાર્થીઓ માટેની સુવિધા પૂર્ણ કરી હતી.
સાથે સાથે, શ્રી રામચંદ્રભાઈ જમનાદાસ અમીન સાહેબે સંસ્થાની શરૂઆતથી સંસ્થાનાં તમામ કાર્યોમાં ઊંડો રસ લઈ વર્ષો સુધી ઉપપ્રમુખ તરીકે અપૂર્વ સેવાઓ આપી હતી. તદઉપરાંત, વિદ્યાર્થીઓને અવારનવાર મળીને, સભાને સંબોધીને ખેડૂતપુત્રોના કારકિર્દી ઘડતર માટે સાચા અર્થમાં રાહબર બની રહયા હતા.

સંસ્થાના લાભાર્થે મકાન બાંધકામ માટે નાટકનો ખેલ ભજવવાનું આયોજન :-


આ સંસ્થાના મેડાની ઓરડીઓનું બાંધકામ કરવા માટે સંસ્થાના લાભાર્થે સને ૧૯૬૩માં કીર્તિ થિયેટર તરફથી "શેણી-વિજાણંદ" નામનું નાટક ભજવવામાં આવ્યું હતું. તે બદલ તેમનો તથા જે જે જ્ઞાતિભાઈઓએ ટિકિટો ખરીદી તથા જાહેર ખબરો આપી તેમજ વિદ્યાર્થીઓએ સાથ અને સહકાર આપીને મદદ કરી હતી તે બધાનો અંતઃકરણ પૂર્વક આભાર માનવામાં આવે છે.

સુવર્ણજયંતી મહોત્સવ- ૧૯૮પ :-


સને ૧૯૮પમાં શ્રી જયકૃષ્ણભાઈ હરિવલ્લભદાસના અધ્યક્ષસ્થાને સંસ્થાનો સૂવર્ણજયતી મહોત્સવ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો. મહોત્સવના કન્વીનર તરીકે અને સહ કન્વીનર તરીકે શ્રી ચુનીભાઈ કુબેરદાસ પટેલ તથા શ્રી શંકરલાલ મોહનલાલ ગુરુએ સફળ કામગીરી બજાવી હતી. આ પ્રસંગની ઉજવણીમાં સંસ્થાના જૂના તથા ચાલુ સંચાલકો, દાતાઓ, ભૂતપૂર્વ અને ચાલુ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી, કાર્યમાં મદદ કરી, યથાશકિત આર્થિક સહયોગ આપી આ ગૈારવપૂર્ણ માતૃસંસ્થા, તપોભૂમિ પ્રત્યે પરમ આદર અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ સંસ્થાના વહીવટદારો સંબંધી હકીકત :-


સંસ્થાની શરૂઆતમાં સને ૧૯૩૦ થી ૧૯૩૬ સુધી પ્રમુખ તરીકે શેઠશ્રી દુર્ગાપ્રસાદ શંભુપ્રસાદ લશ્કરી સાહેબે અને ૧૯પ૧ થી ૧૯૮પ સુધી શેઠ શ્રી જયકૃષ્ણભાઈ હરિવલ્લભદાસ સાહેબે સેવા આપી હતી. તે પછી ૧૯૮૬ થી ર૦૦૬ સુધી શેઠ શ્રી લક્ષ્મીકાંતભાઈ ભગુભાઈ સાહેબે સેવા આપી છે અને હાલ સને ૨૦૦૬થી શ્રી શંકરલાલ મોહનલાલ ગુરુ સાહેબ સેવા આપી રહયા છે.
આ સંસ્થાના માનદ મંત્રી તરીકે શ્રી પુરુષોત્તમદાસ લલ્લુભાઈ બાવળાવાળાએ સને ૧૯૩૦ થી ૧૯૩પ સુધી અને શેઠ શ્રી અંબાલાલ ત્રિભોવનદાસ તકતાવાળાએ સને ૧૯પ૧થી ૧૯૬૯ સુધી સેવા આપી હતી. તે પછી શ્રી મણિભાઈ ગિરધરદાસ પટેલે ૧૯૮પ - ૮૬ સુધી, શ્રી ચંદ્રવદનભાઈ મણિલાલ પરીખે ૧૯૮૯-૯૦ સુધી, તે પછી શ્રી વિશ્ણુપ્રસાદ નટવરલાલ પટેલે ર૦૦૬ સુધી અવિરત સેવાઓ આપી છે. હાલ શ્રી મધુસૂદનભાઈ રામચંદ્રભાઈ અમીન સેવા આપી રહયા છે.
આ ઉપરાંત, માનદ સહમંત્રી તરીકે શ્રી રણછોડભાઈ ધરમદાસ, ડો. ગણપતરામ ગોકળદાસ, શેઠ શ્રી નંદુભાઈ મંછારામ, વકીલ શ્રી વેણીભાઈ અમથાભાઈ, શ્રી સોમાભાઈ નારણભાઈ એ સેવા આપી હતી. હાલ શ્રી નટવરભાઈ મો. પટેલ અને પ્રા. ગંગારામભાઈ એસ. પટેલ સેવા આપી રહયા છે.

ઈતરકોમના વિદ્યાર્થીઓને અપાતી સગવડ :-


આ સંસ્થા કડવા પાટીદાર જ્ઞાતિની હોવા છતાં શરૂઆતથી ઈતરકોમના વિદ્યાર્થીઓને પણ અહીં રહેવા જમવાની સગવડ કરી આપવામાં આવે છે. અને દરવર્ષે ઈતર કોમના વિદ્યાર્થીઓ આ સંસ્થાનો લાભ લે છે, તે આ સંસ્થાની વિશિષ્ટતા છે.

આ સંસ્થાને અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન તરફથી કરવેરાની મળેલી માફી :-


તા. ૦૮/૦૮/૧૯પર હુકમ નંબર ૪૪પ૬થી અ.મ્યુ. કોર્પોરેશને સંસ્થાને જનરલ ટેક્ષની માફી આપેલી છે. તથા રર/૦૯/પર ના હુકમ નંબર ૪૧૬૭ થી પ્રોપર્ટી ટેક્ષની માફી આપી છે. તેમજ તા. ૧૮/૧૧/૧૯પ૩ ના હુકમ નંબર ૧૩૭૭થી પાછલા સને ૧૯૪૭ થી ચઢેલા ઓપન લેન્ડ ટેક્ષની પણ માફી આપી છે.

પબ્લીક ટ્રસ્ટ એકટ મુજબ સંસ્થાનું રજીસ્ટ્રેશન :-


આ સંસ્થાને મુંબઈ રાજયના પબ્લીક ટ્રસ્ટ એકટ સને ૧૯પ૦ અન્વયે અમદાવાદ ના મે. ડેપ્યુટી ચેરીટી કમિશ્નરશ્રીના હુકમ નંબર છ ર૦૦/તા. ર૪/૦૯/પર થી રજીસ્ટર્ડ કરવામાં આવી છે.

સંસ્થાની સ્થાપનાને ૭પ વર્ષ પૂરાં થાય છે તેથી તેનો હીરક મહોત્સવ ઉજવવા બાબત :-


આ સંસ્થાની સ્થાપના ૧૯૩૦ની સાલમાં થયેલી હોવાથી તેને છોંત્તેર વર્ષ પૂરાં થયાં છે આથી તેનો હીરક મહોત્સવ ઉજવવાનો સમય પાકી ગયો છે. આ સંસ્થામાંથી અભ્યાસ કરી ઘણા વિદ્યાર્થીઓ જુદા જુદા ક્ષેત્રમાં ઉંચા હોદ્દાઓ ઉપર કામ કરે છે તથા ઘણા ધંધાદારી ક્ષેત્રમાં આગળ વધ્યા છે તેમજ કેટલાક ગ્રામીણ ક્ષેત્રમાં પણ નેતૃત્વ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં અહીં રહીને આશરે ૧૬૦૦૦ વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો છે. તે બધા જૂના વિદ્યાર્થીઓ અને ચાલુ વિદ્યાર્થીઓનું એક સ્નેહ સંમેલન ગોઠવવામાં આવે અને આ સંસ્થાના જૂના તથા ચાલુ સંચાલકો અને મદદ આપનાર ઉદાર દાનવીરોને પણ આમંત્રણ આપી એક ભવ્ય સમારંભ હીરક મહોત્સવ નિમિત્તે કરવાનો પ્રબળ વિચાર છે, તો આ સંસ્થામાં આધુનિક સગવડ સાથેનો વિકાસ કરવા અને તેજસ્વી વિદ્યાર્થીઓને પૂરતાં પ્રોત્સાહનો પૂરાં પાડવા માટે આપણો સેવાભાવી સમાજ ઉદારતાથી મદદ અને સાથ સહકાર આપે એવી અમારી લાગણી અને માંગણી છે.

લિ. આપના,
સતીશભાઈ ડી. પટેલ (પ્રમુખ)
મધુસૂદન રામચંદ્રભાઈ અમીન (ઉપ પ્રમુખ)
"શ્રી કડવા પાટીદાર વિદ્યાર્થી ભવન"
એલિસબ્રીજ, અમદાવાદ.

SHREE K P VIDHYARTHI BHAVAN